23 October, 2008

ઘડપણ નુ ઘર

કહુ છુ જવાની ને પાછી વળી જા...
કહુ છુ જવાની ને પાછી વળી જા
કે ઘડપણ નુ ઘર મારુ આવી ગયુ છે

મન ને ન ગમતું ઘડપણ નુ ડહાપણ પણ
તન તારુ સગપણ ભુલાવી રહ્યુ છે
કહુ છુ જવાની ને

મન ની સ્થિતી હંમેશા આશિક રહી છે
મન ની સ્થિતી હંમેશા આશિક રહી છે
ને કાલે જ મે કોઈને માશુક કહી છે
કાલે જ મે કોઈને માશુક કહી છે
ફરી પાછા મળશું પાગલ થવાને
હમણા તો ડહાપણ ભાઈ સતાવી રહ્યું છે
કહુ છુ જવાની ને

મોહબ્બત તો મારો હક છે જનમ નો
મોહબ્બત તો મારો હક છે જનમ નો
ને સાથી હતો ને રહ્યો છુ સનમ નો
સાથી હતો ને રહ્યો છુ સનમ નો
ઘડપણ ને કહું છુ કે માફી દઈ દે
મોહબ્બત થી મુજને ભાઈ ફાવી ગયું છે
કહું છુ જવાની ને પાછી વળી જા
કે ઘડપણ નુ ઘર મારું આવી ગયું છે

14 October, 2008

મા બાપને ભૂલશો નહિ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ

પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ

કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ

લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ

લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ

સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ

ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ

ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ
પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.

05 October, 2008

સ્કૂલ ચલે હમ

આ સઘળા ફૂલોને કહી દો કે યુનિફોર્મમાં આવે,
પતંગિયાઓને પણ કહી દો સાથે દફ્તર લાવે.

મન ફાવે ત્યાં માછલીઓને આમ નહી તરવાનું,
સ્વીમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું.

દરેક કૂંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું,
લખી જણાવો વાલીઓને તુર્તજ ફી ભરવાનું.

આ ઝરણાંઓને સમજાવો સીધી લીટી દોરે,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે.

અમથું કૈં આ વાદળીઓને એડમિશન દેવાનું ?
ડોનેશનમાં આખ્ખેઆખ્ખું ચોમાસું લેવાનું.

એક નહીં પણ મારે ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,
‘આઉટડેટ’ થયેલો વડલો મારી કાઢે ભૂલો !
 

Copyright © 2009 Gujarati Sahitya. All rights reserved.