23 February, 2009

ફરિયાદ કેમ કરે?

આમ દિલની દાદ દઈ ફરિયાદ કેમ કરે ?
જે તારા ન હતાં તેની યાદમાં રડ્યા કેમ કરે ?

તેમના વાયદા તો ઝાકળના ટીપાં હતાં,
તેમાં હજુ પણ તું જાતને ભીંજવ્યા કેમ કરે ?

તેમણે ખાધેલી કસમ તો પરોઢનું ધુમ્મ્સ હતું,
તેમાં તું વર્ષા નું વાદળ શોધ્યા કેમ કરે ?

તેમણે બતાવેલા સ્વપ્ન તો મૃગજળ ના પ્રતિબિંબ હતાં,
તેમાં તું હકીકત ના મહેલ શોધ્યા કેમ કરે ?

સાથે માંડેલા ડગ તો કુંડાળામાં પડેલા પગ હતાં,
તેમાં તું સપ્તપદીના ફેરા શોધ્યા કેમ કરે ?

ઓ આકાશમાં ઉડતા પંખી,સંકેલ તારી પાંખો,
વગર લક્ષ ના રસ્તે આમ તું ભટક્યા કેમ કરે ?

14 February, 2009

આગમન આપનું જીન્દગીમાં

આગમન આપનું જીન્દગીમાં ક્ષણીક હશે એ ખબર નો'તી,
યાચમન આપના પ્રેમ નું જીન્દગી ભર હશે એ ખબર નો'તી,

અમે તો ચલવાં નાં હતા ફક્ત ફૂલો ની જ રાહ પર,
પરન્તું પ્રીત માં આપની ફકત કંટકો જ હશે ખબર નો'તી...

તમન્નાઓ દિલમાં જ દફનાવી દેવી પડશે એ ખબર નો'તી,
હૈયાં થી ધબકાર જૂદો થશે ક્યારેક એ ખબર નો'તી,

શ્વાસ માં અમારા આપની પ્રીતની મહેક ભરી જીવવું હતું,
તમારી પ્રીતની મહેક વગર જ મરવું પડશે એ ખબર નો'તી....

પ્રીત નું આપની મારે ઝેર પીવું પડશે એ ખબર નો'તી,
પીધા પછી ઝેર આટલું બધું કડવું હશે એ ખબર નો'તી,

અમારે તો તમારી આંખોના સમંદર માં જ ડૂબવું હતું,
તમારા દર્શન માટે પણ આટલું તરસવું પડશે એ ખબર નો'તી...

05 February, 2009

એક સુંદર સમી સાંજે

એક સુંદર સમી સાંજે, હતા આપ મુજ સંગાથે,
મ્રુગસમ ઊછળતાં - કુદતાં, કુદરતનાં દિવ્ય ખૉળે.

દિલમાં કુંપળ સમ ઉછરતાં કેટલાંયે બેકાબુ વિચારો એની જાતે.
તન સખીઓ સંગે, મન તુજ સંગે, વિહ્વ્ળ્તા મુજ ઝળકે અંગે

કાંટો એક ચુભ્યો મુજ હાથે, ત્વરાથી એ ઝાલ્યો તુજ હાથે,
નાજુક્તાની ચરમસીમાએ,કાંટો નીકળી ગયો મ્રુદુતાથી હળ્વે.

તેં થામેલો હાથ કેમ છોડાવું? મન મુંઝાયું થોક-થોક શરમે,
ના તું છોડે ના હું છોડાવું ,લજામણી સી હું લથબથતી પ્રેમની ધારે.

લજજાના ટશિયાં ફુટે નયને,અનગિણત ધબક મુજ હૈયે,
આ પળ અહી રોકાઈ જાય, હું ભરી લઉં મન એના સ્પર્શે.

સ્પંદનોના સરકતા નગરે,આ અણગમતું આ કોણ ડોકાયું?
હં...હવે સમજાયું,આ મિલન-પ્રસંગ તો રચાયો શમણે.

23 January, 2009

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે

એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ,
એ કેશ ગુંથે અને બંધાય ગઝલ;
કોણે કહ્યું કે લય ને આકાર નથી હોતા,
એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ.

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.

ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.

ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.

‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.

14 January, 2009

હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ

આ મુહોબ્બત છે કે છે એની દયા, કહેતા નથી
એક મુદ્દત થઇ કે તેઓ હા કે ના કહેતા નથી
બે જણા દિલથી મળે તો એક મજલિસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી

હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.

એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઈએ.

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ.

પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,
એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ.
 

Copyright © 2009 Gujarati Sahitya. All rights reserved.