23 January, 2009

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે

એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ,
એ કેશ ગુંથે અને બંધાય ગઝલ;
કોણે કહ્યું કે લય ને આકાર નથી હોતા,
એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ.

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.

ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.

ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.

‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.

14 January, 2009

હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ

આ મુહોબ્બત છે કે છે એની દયા, કહેતા નથી
એક મુદ્દત થઇ કે તેઓ હા કે ના કહેતા નથી
બે જણા દિલથી મળે તો એક મજલિસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી

હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.

એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઈએ.

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ.

પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,
એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ.

05 January, 2009

નયનને બંધ રાખીને

નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે

ઋતુ એકજ હતી પણ રંગ નો તો આપણો એક જ
મને સહેરા એ જોયો છે બહારે તમને જોયા છે

પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ
નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે

હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારુ,
ખુલી આખે મે મારા ઘરના દ્રારે તમને જોયા છે

નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે

01 January, 2009

શાંત ઝરૂખે વાટ નિરખતી

શાંત ઝરૂખે વાટ નિરખતી
રૂપની રાણી જોઇ હતી
મેં એક શહજાદી જોઇ હતી...

એના હાથની મહેંદી હસતી’તી,
એની આંખનું કાજળ હસતું’તુ,
એક નાનું સરખું ઉપવન જાણે
મોસમ જોઇ મલકતું’તુ.

એના સ્મિતમાં સો સો ગીત હતાં,
એની ચુપકીદી સંગીત હતી,
એને પડછાયાની હતી લગન,
એને પગરવ સાથે પ્રીત હતી.

એણે આંખના આસોપાલવથી,
એક સ્વપ્નમહલ શણગાર્યો’તો,
જરા નજરને નીચી રાખીને,
એણે સમયને રોકી રાખ્યો’તો.

એ મોજાં જેમ ઉછળતી’તી,
ને પવનની જેમ લહરાતી’તી,
કોઇ હસીને સામે આવે તો ,
બહુ પ્યારભર્યું શરમાતી’તી.

તેને યૌવનની આશિષ હતી,
એને સર્વ કળાઓ સિધ્ધ હતી,
એના પ્રેમમાં ભાગીદાર થવા,
ખુદ કુદરત પણ આતૂર હતી.

વર્ષો બાદ ફરીથી આજે
એ જ ઝરૂખો જોયો છે.

ત્યાં ગીત નથી, સંગીત નથી;
ત્યાં પગરવ સાથે પ્રીત નથી.

ત્યાં સ્વપ્નાઓના મહેલ નથી,
ને ઉર્મિઓના ખેલ નથી.

બહુ સૂનું સૂનું લાગે છે,
બહુ વસમું વસમું લાગે છે.

એ ન્હોતી મારી પ્રેમિકા,
કે ન્હોતી મારી દુલ્હન,
મેં તો એને માત્ર ઝરૂખે
વાટ નીરખતી જોઇ હતી.

કોણ હતી એ નામ હતું શું ?
એ પણ હું ક્યાં જાણું છું ?
એમ છતાંયે દિલને આજે
વસમું વસમું લાગે છે,
બહુ સૂનું સૂનું લાગે છે...
 

Copyright © 2009 Gujarati Sahitya. All rights reserved.